Sunday, October 6, 2019

Gujarati Shayari, Gujarati Gazal 2020, "Shayada" (2)

હરજી લવજી દામાણી "શયદા"
હરજી લવજી દામાણી "શયદા"

હરજી લવજી દામાણી, જેઓ તેમના ઉપનામ શયદા વડે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર હતા. તેઓ ગઝલ સમ્રાટ તરીકે ઓળખાય છે, કારણ કે તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલ સ્વરૂપની કવિતાની શરુઆત કરી હતી.શયદાનો જન્મ ૨૪ ઓક્ટોબર ૧૮૯૨માં ધંધુકા નજીક પીપળી ગામમાં લવજીભાઇ અને સંતોકબહેનને ત્યાં થયો હતો. તેમનુ કુટુંબ ખોજા શિયા ઇશ્ના અશેરી સમુદાય સાથે જોડાયેલો હતો. તેમણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ઇ.સ. ૧૯૧૨માં પ્રથમ વખત તેમની કવિતા મુંબઇ સમાચારમાં પ્રગટ થઇ હતી. ત્યારબાદ, તેમણે ગઝલો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકો લખવાનું શરૂ કર્યું. કુમળી કળી તેમના વખણાયેલા નાટકોમાંનું એક હતું. તેઓ બે ઘડી મોજ (૧૯૨૪) ના સ્થાપક તંત્રી હતા, જેનાથી ગુજરાતી ગઝલની સ્થાપના ઉર્દૂ ગઝલોથી સ્વતંત્ર શૈલી તરીકે થઇ. તેમણે ગુજરાતી કવિતાના સામયિક ગઝલ માં પણ તંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૬૨ના રોજ મુંબઈ ખાતે મૃત્યુ પામ્યા હતા


હાય, મારું એ બાળપણ છૂટ્યું

હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું
પગથી છૂટી જવાની પગદંડી
એમનું જો કદી રટણ છૂટ્યું
મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું
કોઈની આશને ઘરણ લાગ્યું
કોઈની આશનું ઘરણ છૂટ્યું
સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું
એમના પગ પખાળવા કાજે
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ
કોણ ‘શયદા’ મને દિલાસો દે ?
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું
– શયદા

જનારી રાત્રિ જતાં કહેજે 

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

– શયદા

No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11