Wednesday, October 9, 2019

Gujarati Shayari, Gujarati Gazal , botadkar Damodar (1)

બોટાદકર દામોદર, Botadkar Damodar
બોટાદકર દામોદર, Botadkar Damodar


બોટાદકર દામોદર ખુશાલદાસ (જન્મ: નવેમ્બર ૨૭, ૧૮૭૦ મૃત્યુ: સપ્ટેમ્બર ૭, ૧૯૨૪) જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. તેઓ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.
એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫), 'ચંદન' મળ્યા છે. ‘રાસતરંગિણી’ ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની’નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ આપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે. કન્યા, માતા, નણંદ, સાસુ, લગ્નોદ્યતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા-એમ નારીજીવનની જુદી જુદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે.
સરેરાશ કક્ષાએ રહેતી કલ્પનાશક્તિ તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસો અને ગૃહજીવનનાં કોમળ નિવ્યર્યાજ સંવેદનોનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે
જનનીની….
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની…..
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની…
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ રે
જનનીની…
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની…
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની…
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લ્હાણ રે
જનનીની…
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે
જનનીની…
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની…
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે
જનનીની…
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે

No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11