હરીન્દ્ર દવે, Harindra Dave |
તેમનો જન્મ ખંભરા, કચ્છમાં થયો હતો.
અભ્યાસ
તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. પછીથી ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી
વ્યવસાય
૧૯૫૧ થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૩ માં ફરી જનશક્તિ માં જોડાયા મુખ્ય તંત્રી તરીકે અને ત્યાર બાદ જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ- પ્રવાસી નાં મુખ્ય તંત્રી તરીકે અંતિમ દિવસ સુધી કાર્યરત રહ્યા.
તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) એમના ગઝલસંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહના ભાવસંવેદનને અભિવ્યક્ત કરતાં અન્ય ગીતોમાં રહેલું છે. ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં....’ જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે. એમનાં ગીતોમાં લયહલક અને ભાવમાધુર્ય છે. ‘મૌન’ (૧૯૬૬)માં બહુધા ઉત્તમ ગીતો સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ (૧૯૭૭) નામે કરેલા સંપાદનમાં બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’ (૧૯૭૨)માં એમની મુક્તક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને લયબદ્ધ કવિતા પણ એમણે રચી છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’ (૧૯૭૫)માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે આધુનિકતાની પરવા વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપી છે. અન્યોના સહયોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યાં છે.
Read more : Tushar Shukla
Read more : Saif Palanpuri
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
એક રજકણ સૂરજ થવાને શમણે
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ…
જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…
–હરીન્દ્ર દવે
હવે થાકી ગયો,....
હવે થાકી ગયો, સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેંકતા મયથી.
ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.
બધા દ્રશ્યો અલગ દેખાય છે,એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં,તમે દેખો છો સંશયથી.
મને એ ભેદ લાગે છે દિલાસો આપનારાઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.
હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.
તમે અદ્રશ્ય રહી બાજી રમો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.
ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું,મિત્રો,
હું મહેફીલમાં નથી આવ્યો,ટકી રહેવાના નિશ્વયથી.
–હરીન્દ્ર દવે
પાન લીલું જોયું....
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
– હરીન્દ્ર દવે.
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
-હરીન્દ્ર દવે
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાંપાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
-હરીન્દ્ર દવે
No comments:
Post a Comment
Please, do not enter any spam link.
Its strictly prohibited.