વેણીભાઈ પુરોહિત, Venibhai Purohit |
વેણીભાઈ જમનાદાસ પુરોહિત, (૧ ફેબ્રુઆરી ૧૯૧૬ - ૩ જાન્યુઆરી ૧૯૮૦) (ઉપનામ: સંત ખુરશીદાસ) ગુજરાતી કવિ અને વાર્તાકાર હતા.
તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં થયું. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજમાં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત દૈનિક, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્યમાં પ્રુફરીડિંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં જન્મભૂમિ દૈનિકમાં. મુંબઈમાં અવસાન.
દિવસને ઢળવા દો…
હજી આ કોકરવરણો તડકો છે
સાંજ તો પડવા દો
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
દિવસને ઢળવા દો…
હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર ?
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર ?
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવ મંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો…
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.
હજી ક્યાં દુનિયાદારી થાકી છે ?
હવાની રૂખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે !
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
સાંજ તો પડવા દો :
દિવસને ઢળવા દો :
હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે:
કનક કિરણને નભવાદળમાં
અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો.
દિવસને ઢળવા દો.
– વેણીભાઈ પુરોહિત
પી જવાનું હોય છે,
જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.
ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.
જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.
કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.
ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.
એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત
જીવવું છે,
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
***
* ફિતૂરી – બળવાખોરી
* ઘૂરી = આવેશ, ઊભરો, જુસ્સો
– વેણીભાઈ પુરોહિત
સાંવરિયા
સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?
સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?
નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી :
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?
આપ હી દાવ લગા કર બેઠી,
જિયરા ભયા જુઆરી :
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?
– વેણીભાઈ પુરોહિત
અટકળ બની ગઈ જિંદગી !
આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી !
હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી !
સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી !
વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો !
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી !
ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી !
દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો !
આપ આવ્યા ? હાય ! દાવાનળ બની ગઈ જિંદગી !
–– વેણીભાઈ પુરોહિત
દીવાદાંડીઓ
દીવાદાંડીઓ કવિઓ જેવી લાગે છે:
જ્યાં જ્યાં જોખમનો ભય –
ત્યાં બન્નેની સાબદી નજર.
પવનના ઉદરમાં જ આકાર લેતું તોફાન
અથવા તો
ફૂંફાડાબંધ આવી રહેલું
મહાસાગરનું મોજું….
કવિઓ દીવાદાંડીઓ જેવા લાગે છે :
વેદનાની અનુભૂતિ આત્મસાત કરીને
તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે,
કારણકે બન્નેના ભર્ગ-વરણ્યને
હમ્મેશાં દૂર દૂરનો ફાસલો હારી જાય છે.
તેમનું ભીતર
કોઈ પણ અંધકાર કરતાં વધુ અતલ હોય છે
– વેણીભાઈ પુરોહિત
તારી આંખનો અફીણી,
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.
પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસિયો નાગર એકલો
– વેણીભાઈ પુરોહિત
No comments:
Post a Comment
Please, do not enter any spam link.
Its strictly prohibited.