Wednesday, October 9, 2019

Gujarati Shayari, Gujarati Gazal 2020, Manu bhai Trivedi ‘ગાફિલ (4)

મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ', Manubhai Trivedi
મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ', Manubhai Trivedi
ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ, ‘સરોદ’, ‘ગાફિલ’ (૨૬-૭-૧૯૧૪, ૯-૪-૧૯૭૨) : કવિ. જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કૉલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને થઈને વકીલાત કર્યો બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગરનડિયાદભાવનગરજૂનાગઢમોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ કૉઝ કોર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે. અમદાવાદમાં હૃદયરોગથી અવસાન.

એમની કવિત્વશક્તિ મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યક્ત થઈ છે. ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) એમના ભજનસંગ્રહો છે. આધ્યાત્મિક રહસ્યછાયાની અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; તો એમના ‘બંદગી’ (૧૯૭૩) ગઝલસંગ્રહમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;

જૂુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ

 મારી ગઝલમાં... 
અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.
રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં
સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.
નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.
નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.
જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.
વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.
જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.
રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.
મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ (‘ગાફિલ’ અને ‘સરોદ’)

 કેવી અમારી બાદશાહી છે ?
અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે ?
ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.
પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા સિતારાની ગવાહી છે.
ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતા બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.
તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને કેવી ચાહી છે.
અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.
ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.
મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ(‘ગાફિલ’ અને ‘સરોદ’)


 રંગ લાગ્યો છે,
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.
અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?
થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.
મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ (‘ગાફિલ’ અને ‘સરોદ’)



No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11