Sunday, October 6, 2019

Gujarati Shayari, Gujarati Gazal 2020, Shunya Palanpuri (5)

શૂન્ય પાલનપુરી, Shunya Palanluri
શૂન્ય પાલનપુરી, Shunya Palanluri
અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌ (૧૯ ડિસેમ્બર ૧૯૨૨- ૧૭ માર્ચ ૧૯૮૭) જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા.
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો.૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી 'રુસ્વા'ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ જેમણે 'શૂન્ય' ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું.
તેઓ પાલનપુરની "અમીરબાઈ મિડલ સ્કૂલ"માં શિક્ષક રહ્યા હતા.
તેઓ માર્ચ ૧૭, ૧૯૮૭ના રોજ પાલનપુર ખાતે અવસાન પામ્યા હતા.

પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ
પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…

પરિચય છે મારો
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

 કોણ માનશે ?
દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?
શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?
કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?
ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11