શેખાદમ આબુવાલા, Shaikhadam Abuwala |
તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા. તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં 'વૉઇસ ઑફ જર્મની'માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.
ચાંદની (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. અજંપો (૧૯૫૯), હવાની હવેલી (૧૯૭૮), સોનેરી લટ (૧૯૫૯), ખુરશી (૧૯૭૫), તાજમહાલ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.
ફૂલોનું શું થશે
ફૂલોનું શું થશે અને ફોરમનું શું થશેઓ પાનખર વિચાર કે મોસમનું શું થશે
હું પાપ ના કરું એ ખરું પણ જરી વિચાર
ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે”
-શેખાદમ આબુવાલા
કયાં હજુ મોત છે
કયાં હજુ મોત છે થયું પગભરજિંદગી ચાલ જીવીએ ક્ષણભર”
-શેખાદમ આબુવાલા
પડદો પડી ગયો
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયોકોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું ,
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલા
રમું છું હું રંગીન મોસમ
રમું છું હું રંગીન મોસમની સાથે ક્યારેક રંગીન જોખમની સાથેસરળતાથી ચાલુ છું મુશ્કેલ પંથે મને એવી આ જીંદગાની ગમે છે
-શેખાદમ આબુવાલા
શાહજહાંનો મહેલ
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દેમને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
-શેખાદમ આબુવાલા
જિંદગીની આગમાં
અમને નાખો જિંદગીની આગમાંઆગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં
-શેખાદમ આબુવાલા
ગાંધી
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયોબનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો
-શેખાદમ આબુવાલા
નયનનાં પગલાં
આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાંજેમ તારાઓને સમજ્યા છે ગગનનાં પગલાં
એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું
રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં
એ ભલે ગેબી હતો જોઈ શકાયો નોતો
પર્વતો પર હજી અંકિત છે પવનનાં પગલાં
પાનખરમાં મને આવ્યો છે આ વાસંતી વિચાર
ચાલ ફૂલોને ગણી લઈએ ચમનનાં પગલાં
જાગતું તન છે પથિક પથ અને મંઝિલ આદમ
કેમ શોધો છો તમે સ્વપનમાં મનનાં પગલાં
-શેખાદમ આબુવાલા
તને પામી નથી શકતો
તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતોમને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો
મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો
તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો
વિચાર્યું’તું હશે આ પ્યારનો રસ્તો સરલ-સીધો
વળાંકે હાથ ઝાલ્યો છે હવે ચાલી નથી શકતો
હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો
-શેખાદમ આબુવાલા
સંકલ્પ વિના
સંકલ્પ વિના એ શક્ય નથીતું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
-શેખાદમ આબુવાલા
વતનની યાદ
વતનની યાદ આવે છે તો લાગે છે મને એવુંકે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે
-શેખાદમ આબુવાલા
બહુ થયું, બુદ્ધિ!
હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!
જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!
જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!
ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!
યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!
મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!
તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!
-શેખાદમ આબુવાલા
દર્દ આપ મુજને
દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.
એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.
આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.
એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.
-શેખાદમ આબુવાલા
ચાહું છું મારી જાતને
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતનેતું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
-શેખાદમ આબુવાલા
ધરો ધીરજ
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો
જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.
ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.
ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.
ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.
-શેખાદમ આબુવાલા
No comments:
Post a Comment
Please, do not enter any spam link.
Its strictly prohibited.