આદિલ મન્સૂરી, Aadil Mansuri |
ફકીરમહમ્મદ ગુલાબનબી મન્સુરી, ‘આદિલ’ (Hindi: आदिल मन्सूरी, Urdu: عادِل مَنصوُریِ) (૧૮ મે ૧૯૩૬ - ૬ નવેમ્બર ૨૦૦૮) ગઝલકાર, કવિ, નાટ્યકાર હતા.[૧] મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તેઓની લોકપ્રિય ગઝલ છે. ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા.
તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજનીપટ શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં કર્યો. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર અને પછી ‘ટોપિક’ અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ કર્યો.
તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાચી જવાનો નિર્ણય લીધો. ૮ વર્ષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો નિર્ણય લીધો અને આદિલ અમદાવાદમાં વસ્યા હતા. અમદાવાદમાં આવ્યા પછી તેમણે ગુજરાતી ભાષામાં લખાણો, કવિતાઓ અને નાટકો લખવાની શરૂઆત કરી.
આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર ૬ નવેમ્બર ૨૦૦૮ ના દિવસે ન્યૂજર્સીમાં અવસાન થયું હતું.
ઢળવાનું કહો
પાંપણોને સહેજ ઢળવાનું કહો.
સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.
ચોકમાં આવીને મળવાનું કહો
લાગણીઓને પલળવાનું કહો.
દર્પણોમાંથી નીકળવાનું કહો
આ પ્રતિબિંબોને છળવાનું કહો.
લો સપાટી પર બરફ જામી રહ્યો
આ સમુદ્રોને ઉકળવાનું કહો.
સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે
હા કહો, સૂરજને ઢળવાનું કહો.
ભાર ઝાકળનો કળીની પાંપણે
પથ્થરોને પણ પલળવાનું કહો.
ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની
આ પવનને પાછા વળવાનું કહો.
પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની
આ અમાસોને પ્રજળવાનું કહો.
મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે
જે અકળ છે એને કળવાનું કહો.
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
No comments:
Post a Comment
Please, do not enter any spam link.
Its strictly prohibited.