અમૃત ઘાયલ, Ghayal, Amrut Ghayal |
તેમણે સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુ હતુ.પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.(બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી થયા હતા.મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી,કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
-અમૃત ઘાયલ
મારી ગઝલોનાં બે મૂળ.
મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
--અમૃત ઘાયલ
ખૂબ અંદરબહાર જીવ્યો છું
ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું
-અમૃત ઘાયલ
દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,
દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.
મને સંસાર સારો શુન્ય ભાસે છે તમારા સમ,
નવાઈ છે તમોને શુન્ય મા સંસાર લાગે છે.
તમારે કાર્ય કઈ કરવુ નથી,કરવા નથી દેવુ,
દખલગીરી તમારી મીત્રો અત્યાચાર લાગે છે.
ભયંકર મા ભયંકર રોગ લાગે પ્રેમ તો સૌને,
મને અકસીર મા અકસીર એ ઉપચાર લાગે છે.
નવાઈ છે દુઃખી મા પણ્ દુઃખી છુ તોય પણ “ઘાયલ”
મને મળનાર ને મારો સુખી સંસાર લાગે છે.
-અમૃત ઘાયલ
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
-અમૃત ઘાયલ
No comments:
Post a Comment
Please, do not enter any spam link.
Its strictly prohibited.