Sunday, October 20, 2019

Gujarati Shayari, Gujarati Gazal, Jawahar Bakshee (10)

    જવાહર બક્ષી, Jawahar Bakshi
    જવાહર બક્ષી, Jawahar Bakshi 



તને ભૂલી જવાય છે

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે
આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે
અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે
-જવાહર બક્ષી

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચહેરા હશે
લાગણી ક્યારેય પૂરી થાય નહી
એને માટે જે હતી, ઈચ્છા હશે
બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે
આગની આવી તો હિંમત હોય નહી
જે મને બાળી ગયા, તણખા હશે
કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
-જવાહર બક્ષી

તારા વિચારમાં

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે સવારમાં.
જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ રે ઘર,
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં..!
શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.
ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.
કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.
જવાહર બક્ષી

પાંદડાના ઢગમાં બાળતા રહીએ,

પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ,
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.
હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે,
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.
ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં,
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.
થીજી ગયો છે હવે પ્રેમ પણ અતીતની જેમ,
સમય ની જેમ ચાલો આપણે જતા રહીએ.
‘ફના’ ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ.
જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.
-જવાહર બક્ષી

બે-ચાર શક્યતાઓ 

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય
તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય
તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય
ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય
તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય
થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય
જવાહર બક્ષી

નહીં દેખાઉં હું

નહીં દેખાઉં હું તો ભેજ જેવા છું હવામાં
હું સંતાયો છું તારી આંખના જોવાપણામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
મને તું આમ જોયા કર નહીં આ ઝાંઝવામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
નથી કૈં અર્થ દીવો બાળવા કે ઠારવામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
લે! તારી આંખમાં ઝાકળ બનું, જો!આયનામાં
જવાહર બક્ષી

તને નિહાળવાનો એક વિચાર થઈ જાશે

ને તારા રૂપનો પળમાં ચિતાર થઈ જાશે
જરામાં પહોંચી જશે મારા આગમનની હવા
ને દ્વાર દ્વાર ઉપર આવકાર થઈ જાશે
નગરમાં ઊતરી પડયાં છે અવાજનાંટોળાં...
હું પાસે જઈશ તો એ સૂનકાર થઈ જાશે
સમયની સાથે હવે કોણ બાંધછોડ કરે?
પસાર થાવું હશે તો પસાર થઈ જાશે
વિરહની રાતની હસ્તી છે મારા મૌન સુધી
સૂરજની વાત કરીશ... ને સવાર થઈ જાશે
જવાહર બક્ષી

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું,

શ્રદ્ધા જેવા લયથી ડોલું…
હું ઝાકળના શહેરનો બંદી,
બોલ, ક્યો દરવાજો ખોલું…
થાય સજા પડઘા-બારીની,
ત્યાં જ તમારું નામ ન બોલું…
આવરણોને કોણ હટાવે,
રૂપ તમારું આખાબોલું…
સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે,
આપ કહો તો આંખો ખોલું…
જવાહર બક્ષી

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે

શરુ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.
કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે ?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.
કોઈનું આવવું, નહિ આવવું, જવું ન જવું
અમસ્તો આંખમાં ઉઘાડ – વાસ ચાલે છે.
દશે દિશામાં સતત એકસામટી જ સફર !
અને હું એ ય ન જાણું…. કે શ્વાસ ચાલે છે.
અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે !
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
જવાહર બક્ષી

No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11