Salim sheikh (સાલસ)
ગાયબ છે અંદરનો માણસ
ગાયબ છે અંદરનો માણસજીવે તે અવસરનો માણસ
મસ્તીમાં લડખડતી સાંજે
ખોવાયો જંતરનો માણસ
ઘટનાઘેલો પાને-પાને
ઊગ છે મંઝરનો માણસ
પરપોટાના પડ ઉખાડે
પીઝા ને બર્ગરનો માણસ
દાપાં માંગે ડગલે-ડગલે
સાલ્લો આ દફતરનો માણસ
– સલીમ શેખ(સાલસ)
સત્યના મારા પ્રયોગો
સત્યના મારા પ્રયોગો સાવ તો ખોટા નથી,વાત ખાલી એટલી કે એમના ફોટા નથી
કેટલી નરમાશથી સાગર મળે આકાશને,
કે હવાની ઓઢણી પર ક્યાંય લીસોટા નથી
જાત બાળીને ઉજાળે વિશ્વ આખાને સદા,
ચાંદ પણ સંમત થશે કે સૂર્યના જોટા નથી
કો’ વધૂને બાળતા હાથો વિશે બોલ્યા સતી,
પાનબાઈ!એમના માટે હજી “પોટા” નથી?
ભ્રુણ હત્યા લાગશે ,સંભાળજે પાગલ પવન,
કૂખમાં જળની હવા છે,સિર્ફ પરપોટા નથી.
– સલીમ શેખ(સાલસ)
ચાલ્યા કરે..
ધૂપ છે, છાંવ છે ચાલ્યા કરે,ઝાંઝવાં છે, નાવ છે ચાલ્યા કરે…
આંખ ભીની થાય શું કારણ વગર?
બસ જરા લગાવ છે, ચાલ્યા કરે…
ગત સમયના ધૂંધળા નકશા ઉપર,
સાવ લીલા ઘાવ છે, ચાલ્યા કરે…
આ ક્ષણોનો કાફલો ચાલ્યો હવે,
આ કશીયે રાવ છે, ચાલ્યા કરે…
ને સમય થંભી ગયો એવું કહી,
આજ મારો દાવ છે, ચાલ્યા કરે…
– સલીમ શેખ ‘સાલસ’
દુર જા...
ભેદ છળનો પામવા હરણાંપણાંઓ થી દુર જા,શૂન્ય સમજાશે તને થોડાઘણા થી દુર જા,
જે તને દેખાય છે એ તુ જે છે કે તું નથી?
તોડ સઘળા આયના ને ધારણાં થી દુર જા,
શ્ર્વાસ ના જોરે ટકી છે આ હવેલી દેહની,
જાત ફંગોળી જરા માટીપણા થઈ દુર જા
છે નજરબંધી સમયની, છેતરાયો છે સદા,
સરભરાથી દૂર ને તુ અવગણના થઈ દુર જા
બે ઘડી ફોરમ બની ફેલાઈ જવામાં મઝા લે,
હવે આ ડાળનાં લીલાપણાં થી દૂર જા
– સલીમ શેખ ‘સાલસ’
ગમા - અણગમા નો વિષય
રમાનો વિષય ના શમાનો વિષય છે,ગઝલ ભીતરી કમકમાનો વિષય છે.
નિજ આનંદ ખાતર લખી છે સદા મે,
ગઝલ ક્યાં ગમા- અણગમા નો વિષય છે
– સલીમ શેખ ‘સાલસ’
વેદના...
અમારી ભીતરે હાથે કરીને વેદના પાળી હતી,અનાગત યાતના ની ક્ષણોને માંડ સંભાળી હતી.
ખબર નો'તી બની જશે ભલા કે આમ પરપોટો કદી,
હવાને પાણી એ તો પ્રેમથી બસ સ્હેજ પંપાળી હશે.
અમસ્તુ આમ અજવાળું ન રેલાયા કરે કાગળ પર,
ગઝલ ના ગોખમા બેસી અમારી જાતને બાળી હતી
નદીની રીકતતાની આબરૂ ખાતર, અજાણ્યા થઈ જૈ,
ઘણી વેળા નઠારી પ્રયાસ ને અમે પાછી વાળી હતી
નજર કે કાન ને શુ દોષ દેવાનો, નહીતર તો કદી,
તમે જે સાંભળી નો'તી, અમે એ વાતને ભાળી હતી
– સલીમ શેખ ‘સાલસ’
અંદર સુધી...
શબ્દના સઘળા સગડ અંદર સુધી,પણ ગઝલ ના મૂળ તો ઈશ્વર સુધી
જો તને શ્રધ્ધા નથી તો માનજે,
એક પથ્થર જાય છે પથ્થર સુધી
ઘાવના અહેસાસ લગ પહોચ્યા નહીં,
જે ગયા કેવળ અહીં બખ્તર સુધી
સ્વર્ગ દેવું હો, ધરા પર આપજે,
કોણ લાંબુ થાય કે અંબર સુધી
ખૂનના આ હાથ આરોપી હતા,
ફૂલોથી પહોચ્યા અત્તર સુધી
– સલીમ શેખ ‘સાલસ’
No comments:
Post a Comment
Please, do not enter any spam link.
Its strictly prohibited.