Sunday, October 20, 2019

Gujarati Shayari, Gazal 2020, Saif Palanpuri (8)

સૈફ પાલનપુરી, Saif Palanpuri
સૈફ પાલનપુરી, Saif Palanpuri
મુશાયરા પ્રવૃત્તિના અગ્રેસર, સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા ઉર્ફે ‘સૈફ’ પાલનપુરી નો જન્મ 30 - ઑગષ્ટ , ૧૯૨૩ પાલનપુરમાં થયો હતો. તેમની માતાનું નામ રૂકૈયાબાઈ અને પિતાનું નામ ગુલામઅલી હતું. એમનાં ગુજરાતી ગઝલકાર બનવા પાછળ શયદાનો હાથ હતો અને એટલે એમણે તેમને પોતાના ઉસ્તાદ માનેલા અને સૈફ પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા. તેમનું અવસાન ૭ મે, ૧૯૮૦ ના રોજ થયુ હતું.


  • ગઝલસંગ્રહો-ઝરુખો (૧૯૬૮), હિંચકો (૧૯૭૧), એજ ઝરુખો એજ હીંચકો;
  • સંપાદન - મરીઝ સાહેબ સાથે “બગીચો” નામનું સંપાદન




શાંત ઝરુખે

શાંત ઝરુખે વાટ નીરખતી રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી.

એના હાથની મ્હેંદી હસતી’તી,
એના આંખનુ કાજલ હસતું’તું,

એક નાનું અમથું ઉપવન જાણે
મોસમ જોઈ વિકસતું’તું.

એના સ્મિતમાં સો સો ગીત હતાં
એની ચુપકીદી સંગીત હતી;

એને પડછાયા ની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી.

એણે યાદના અસોપલવથી
એક સ્વપન-મહેલ શણગાર્યો’તો;

જરા નજર ને નીચી રાખને
એણે સમયને રોકી રાખ્યો’તો.

એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહેરાતી’તી,

કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યારભયુઁ શરમાતી’તી.

એને યૌવનની આશીષ હતી
એને સર્વ બલાઓ દૂર હતી;

એનાં પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે
ત્યાં ગીત નથી-સંગીત નથી-ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સ્વપ્નાંઓનાં મહેલ નથી ને ઊમિઁઓના ખેલ નથી,

બહુ સુનું સુનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે,

એ નો’તી મારી પ્રેમિકા કે નો’તી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરુખે વાટ નીરખતી જોઇ હતી,

કોણ હતી એ નામ હતુંશું? એ પણ હું ક્યાં જાણું છું,
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,

બહુ સૂનું સૂનું લાગે છે
લાગે છે એવું કે જાણે

હું પોતે લૂંટાઈ ગયો
ખુદ મારું ઘર બરબાદ થયું.

આંખોથી લઈશું કામ

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.
બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.
ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ.!!

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,
કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

પ્રેમમાં ફાવી ગયા.

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.
દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.
મેં લખેલો લઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.
‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!
-‘સૈફ’ પાલનપુરી

વીખરેલી લટો

વીખરેલી લટોને ગાલો પર રે’વાદે પવનતુ રે’વાદે
પાગલ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં!
થોડીક શિકાયત કરવી’તી, થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો – બહુ અંગત-અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો, જાણો છો?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા!

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે. 

No comments:

Post a Comment

Please, do not enter any spam link.
Its strictly prohibited.

My Blog11